Jayshree  Chaudhary
Jayshree Chaudhary
Sunday 07 Jan 18 06:54:41 PM
અમૃતલાલ વેગડ અને “ પરિક્રમા નર્મદા મૈયાની ” નો પરિચય
અમૃતલાલ વેગડ અને “ પરિક્રમા નર્મદા મૈયાની ” નો પરિચય

મૂળ કચ્છ-માધાપર ગુજરાતના વતની અને મધ્યપ્રદેશ જબલપુરમાં સ્થાયી થયેલા ગોવામલ જીવણના ઘરે અમૃતલાલ વેગડનો જન્મ ૩જી ઓક્ટોબર , ૧૯૨૮ ના રોજ થયો. સાહિત્યકાર અને ચિત્રકાર અમૃતલાલ વેગડે કરેલી લગભગ ચાર હજારથી વધારે કિલોમીટરની ખંડિત નર્મદા પરિક્રમાના ગુજરાતી અને હિન્દી ભાષામાં ગુણવત્તાસભર પ્રવાસવૃતાન્તો મળ્યા છે. જેનો અંગ્રેજી, બંગાળી અને મરાઠીમાં અનુવાદ પણ થયો છે. અને અનેક પારિતોષિક અને પુરસ્કારથી તેમની સર્જકતા સરાહના પામતી રહી છે. 

અમૃતલાલ વેગડે કલાભવન શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (૧૯૪૮-૧૯૫૩)કર્યો હતો. ૧૯૫૫માં તેમણે બી.એ.ની ડીગ્રી મેળવી હતી. ૧૯૫૩ થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી હતી. પદયાત્રા દરમિયાન તેમણે દોરેલા રેખાચિત્રો અને ચિત્રો ક્લાવિવેચકો દ્વારા ખુબ જ  વખણાયા છે.  સાહિત્યકાર  અને ચિત્રકાર તરીકે પ્રસિદ્ધ અમૃતલાલ વેગડ પર્યાવરણ ચળવળકાર તરીકે પણ કાર્યરત છે. નદી કિનારા અને નદીઓમાં પ્રદુષણ ઓછું કરી શકાય તે માટે સતત કાર્યશીલ છે. 

અમૃતલાલ વેગડને શિક્ષણ સાધના માટે ‘શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય એવોર્ડ ‘(૧૯૯૨), મધ્યપ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અવોર્ડ (૧૯૯૨), મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ એવોર્ડ (૧૯૯૪), ચિત્રકળા માટે મધ્યપ્રદેશ શાસનનું પ્રતિષ્ઠિત “શિખર સન્માન”, “સૌંદર્યની નદી નર્મદા”માટે  કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક , “પરિક્રમા નર્મદામૈયાની” માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક  અને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક , “થોડું સોનું થોડું રૂપું” (નિબંધ સંગ્રહ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પરમાનન્દ કુંવરજી કાપડિયા પારિતોષિક, “ સૌન્દર્ય કી નદી નર્મદા” (હિન્દી)  માટે મધ્યપ્રદેશ શાસનનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન , મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર,  “અમૃતસ્ય નર્મદા” (હિન્દી) માટે મધ્યપ્રદેશ શાસનનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન , ઉપરાંત આ બંને હિન્દી ભ્રમણવૃતાન્તો માટે કેન્દ્ર સરકારનો મહાપંડિત  રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર તથા મધ્યપ્રદેશ હિન્દી ગ્રન્થ અકાદમીનું ડો. શંકરદયાલ શર્મા સૃજન સન્માન વગેરે પુરસ્કાર/પારિતોષિકો/એવોર્ડ  એનાયત થયા છે. 

અમૃતલાલ વેગડના ગુજરાતી પુસ્તકોમાં “પરિક્રમા નર્મદામૈયાની”, સૌન્દર્યની નદી નર્મદા”, “ થોડું સોનું થોડું રૂપું ”, “સ્મૃતિઓનું શાંતિનિકેતન”, “નદિયા ગહેરી , નાવ પુરાની”. “સરોવર છલી પડ્યાં !” “નર્મદાનો પ્રવાસ”, “પરિક્રમા નર્મદામૈયાની” વગેરે, હિન્દીમાં “બાપુ સુરજ કે દોસ્ત”, “બાપુ કો દસ અંજલિયાં”, “ભારત મેરા દેશ”, “સૌન્દર્ય કી નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદા” વગેરે, મરાઠીમાં મીનલ ફડણીસ દ્વારા અનુદિત થયેલી “સૌન્દર્યવતી નર્મદા” તથા “અમૃતસ્ય નર્મદા”, બંગાળીમાં તપેન ભટ્ટાચાર્ય દ્વારા અનુદિત થયેલી “સૌન્દર્યેર નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદા”, અંગ્રેજીમાં મેડરેલ્લ દ્વારા “નર્મદા : રીવર ઓફ બ્યુટી” નો સમાવેશ થાય છે.  

“ પરિક્રમા નર્મદા મૈયાની ” અમૃતલાલ વેગડનો પરિક્રમા ગ્રન્થ છે. આ પ્રવાસ વૃતાંત સુંદર અને રસપ્રદ પુસ્તક છે. આ પુસ્તકમાં ચિત્રકાર અમૃતલાલ વેગડના રેખાચિત્રો પ્રવાસવર્ણનોને ઓર આકર્ષક બનાવે છે. ગુજરાતી ભાષામાં ૫૦૦૦ થી વધારે નકલો વેચાઈ ચુકી છે એવું આ પુસ્તક સાહિત્યિક અને લોકપ્રિયતા ઉભય દ્રષ્ટીએ સફળ નીવડ્યું છે. આ પુસ્તકમાં લેખકે પ્રથમ ૧૯૭૭માં અને અંતિમ ૧૯૮૭ માં  અગિયાર વર્ષો દરમિયાન કરેલી દસ પદયાત્રાઓનું વર્ણન છે. આ લેખમાળા શરૂઆતમાં ‘અખંડ આનંદ ‘માં ૧૮ હપ્તારૂપે પ્રગટ થઈ અને વાચકોની ચાહના મેળવી શકી હતી. એ પછી થોડા સમારકામ પછી ‘જન્મભૂમિ પ્રવાસી’ માં લેખરૂપે તેના ૨૨ હપ્તા આવ્યા, જેની સરાહના વાચકોએ કરી હતી. હિન્દીમાં પુસ્તકરૂપે પ્રગટ થઈ અને ગુજરાતીમાં પુસ્તકરૂપે પ્રગટ થઈ અને અત્યંત સફળ રહી અને સાહિત્યિક પારિતોષિક અને પુરસ્કારોથી પુરસ્કૃત થતી રહી છે. 

આ પ્રવાસયાત્રામાં ત્રણ ખંડિત પદયાત્રાઓનો સુમેળ સધાયો છે. નર્મદાની  ૧૩૧૨ કિલોમીટરની યાત્રા ઉત્તર તટ : ૧ . જબલપુરથી છેવલિયા ૨. છેવલિયાથી મંડલા 3.મંડલાથી છિનગાંવ ૪.છિનગાંવથી અમરકંટક , દક્ષિણ તટ : પ. અમરકંટકથી ડિંડોરી  ૬.ડિંડોરીથી મહારાજપુર  ૭.મહારાજપૂરથી ગ્વારીઘાટ (જબલપુર) ૮. ગ્વારીઘાટથી બરમાનઘાટ ૯.બરમાનઘાટથી સાંડિયા ૧૦.સંડિયાથી હોશંગાબાદ ૧૧. હોશંગાબાદથી હંડિયા ૧૨. હંડિયાથી ઓંકારેશ્વર  ૧૪. ઓંકારેશ્વરથી ખલઘાટ  ૧૫.ખલઘાટથી બોરખેડી  ૧૬. કેલીથી શૂલપાણેશ્વર ૧૭. શૂલપાણેશ્વર ૧૮. શૂલપાણેશ્વરથી કબીરવડ ૧૯.કબીરવડથી વિમલેશ્વર ૨૦. વિમલેશ્વરથી મીઠીતલાઈ : સમુદ્રયાત્રા ,  ઉત્તર તટ :  ૨૧. મીઠીતલાઈથી કોલીયાદ  ૨૨. કોલીયાદથી ભરૂચ  - કુલ ૨૨ પ્રકરણોમાં આલેખાઈ છે. 

અમૃતલાલ વેગડે કહ્યું છે કે , “ જીવન કે લિયે રોટી સે પહલે પાણી જરૂરી હૈ ..નર્મદા કો હમારી જરૂરત નહી , હમેં નર્મદા કી જરૂરત હૈ.” 

સુપ્રસિદ્ધ પ્રવાસકથાકાર , જાણીતા ચિત્રકાર  મશહુર નર્મદાવિદ અને સાહિત્ય અકાદમીથી સન્માનિત અમૃતલાલ વેગડ એક સાક્ષાત્કારમાં કહ્યું  હતું  : “ મારી નર્મદા પરિક્રમા ધાર્મિક નહી પરંતુ સાંસ્કૃતિક હતી. ”