Jayshree  Chaudhary
Jayshree Chaudhary
Thursday 23 Nov 17 06:22:08 AM
Haiyu
Haiyu

અચાનક અંધારી રાતે ચન્દ્ર પ્રગટ થયો હોય તેમ એનો વર્ષો પછી ફોન આવ્યો.

‘મધુરિમા હું આવું છું .’

‘અરે પણ આમ કેમ ? અચાનક ?’

‘ બસ હું આવું છું .’

‘સરનામું ખબર છે ? ચાલી નીકળ્યા આવવા તે.’

‘જયારે તારો કોન્ટેક્ટ નંબર મળી ગયો છે તો સરનામું પણ મળશે જ. છે મારી પાસે , સાંભળ તારો લેખ  વાંચ્યો અને જોયું તો તારું નામ . મને થયું આ મધુરિમા જ છે. એ જ મધુરિમા જે..’

હજી એવી જ જિદ કરે છે. હું ના કહું તો માનશે નહી. આવશે જ. એ આવ્યો. ઘરમાં હું જ હતી. એ જ દમામ.. મેં આવકાર્યા. ‘આવ . બેસ  .’

પાણીનો ગ્લાસ ધર્યો. એકીશ્વાસે અર્ધો ગ્લાસ પાણી પી ગયો. છાપું લઈ લીધું. બેસવાની એ જ મનમોહક છટા. હું એને જોઈ રહી હતી. એના કોલરમાંથી લોકીટ દેખાતું હતું. એને જાણ તો હતી  પણ મને જણાવવા નહી દે. એની એ જ વિશેષતા હતી . એક વાર મને જોઈ લે પછી મનમાં મારી છબીને મમળાવ્યા કરે..અને મને જોવા દે.

‘મધુરિમા, ચા બનાવ કડક.’

મેં ચા બનાવી. ટ્રેમાં કપ રકાબી ગોઠવ્યા.

બહાર તડકો ધમધોકાર વરસી રહ્યો હતો. પંખાની સ્પીડ વધારી. પણ બારીમાંથી લૂ અંદર ધસી આવતી હતી. દિવાન ખંડની દીવાલ પર સુખડની હાર પહેરાવેલો માનો ફોટો જોઇને. એણે પૂછ્યું : ‘ આ કેવી રીતે થયું. ?’

‘હાર્ટએટેક.’

‘એમ ?’

‘હા..’

એની આંખો મળી અને પૂછ્યું : ‘ હવે શો વિચાર છે ?’

 બપોરે હું બરફ હોઉં એમ ઓગળતી જતી હતી. હું પાણી બની ગઈ. મારા હાથમાં ચાનો કપ હતો. મારી ઓઢણી ખભેથી સરી રહી હતી. શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતાં. અવાજ જાણે મારા ગળામાં અટવાઈ ગયો હતો. જાણે સોનેરી તડકો મારી ઘરમાં પ્રવેશીને માની છબીમાંથી પરાવર્તિત થઈને મને દઝાડતો હતો. હું પરસેવે રેબઝેબ થઈ ગઈ.

એણે ધીમેથી કહ્યું .. ‘મધુરિમા..’

એના મીઠાં મીઠાં સમ્બોધનથી તડકો પાછો વળીને દરવાજાની બહાર દોડી ગયો. અને એક ઠંડક મારી ભીતર ઠંડા શરબતની જેમ ઓગળતી જતી હતી.

‘તને ખબર છે ? હજી ગઈ કાલે જ  આ તારો લેખ વાંચ્યો પછી મને ..’ એણે ગળામાં ચેન સરખી કરી અને લોકીટ હાથથી રમાડ્તાં કહ્યું.. ‘ મને કાકાએ કહ્યું કે આરતી છોકરી સારી છે, તું હાં પડે તો જોવાનું ગોઠવીએ.’

આ બોલતાં એનો અવાજ જાણે વજનદાર થઈ ગયો. ફરી તડકો આકરો થઈ ગયો હોય તેમ મને ગરમી બાઝી પડી. ગળે સોસ ઉપડ્યો. મેં એના ગ્લાસનું વધેલું પાણી પીધું. તરસ છિપાઈ નહી.

એ ઊભો થયો. રસોડામાં ગયો. બોટલ કાઢી અને ગ્લાસમાં પાણી રેડ્યું. મારી સામે ધર્યું. મેં પાણી પીતાં પીતાં એની સામે જોયું. ઠંડક મારી રગેરગમાં પ્રસરી રહી હતી.

એ મારી સામે ઊભો હતો. મને યાદ આવ્યું . એના જન્મદિવસે મેં એને લોકીટ ભેટ આપ્યું હતું. હું મોડે ઘરે આવી હતી અને ઘરમાં રમખાણ મચી ગયું. આખું ઘર માએ માથે લઈ લીધું હતું.

બીજે દિવસે એ મને મળવા આવ્યો ત્યારે માએ એને ઓટલો ચઢતા અટકાવ્યો હતો : ‘ ખબરદાર જો હવે મારે જીવતેજીવ આ ઘરનો ઓટલો ચઢ્યો છે ને મધુરીમાને મળ્યો છે તો. વિધવા માની એકની એક છોકરીને ભગાડી જવી છે ? હાલી નીકળ્યા છે પ્રેમ કરવા. ઈજ્જત આબરૂ વ્હાલી હોય તો મારી છોકરીને હવે પછી મળતો નઈ.’

 એ ઓટલો ઉતરી ગયો હતો. બી એડ નું છેલ્લું વર્ષ હતું અમારું. એ ગામ છોડી દીધું હતું અમે .મને દક્ષિણ ગુજરાતમાં વ્યારા નજીક છેક છેવાડેના ગામ પનિહારીમાં નોકરી મળી હતી. મા સાથે જ હતી. વિધવા માએ મને ભણાવી એનું ઋણ ચુકવ્યું હતું મેં. એના જીવતેજીવ હું એ છોકરાને કદી મળી નહોતી. પરંતુ એ છોકરા સિવાય બીજા કોઈને પરણવું એ મને સ્વીકાર્ય નહોતું. ચાર વર્ષ પછી એક રાતે મા મને એકલી છોડીને પરલોક ચાલી ગઈ.

‘પાણી પીવું છે બીજું ?’ એ મને પૂછી રહ્યો હતો.

‘હા’

પાણી પીતાં પીતાં હું એના લોકીટને જોઈ રહી હતી.

‘પાંચ વર્ષ થઈ ગયાં , ખબર પડી ? ગામ છોડીને જતાં રહ્યા તમે લોકો.  મારી નોકરી છે કચ્છ માધાપુરમાં.’

‘એમ  ?’

‘લગ્ન ?’

‘કોના ?’ હું જાણે તડકામાં ઉભી રહી ગઈ હોઉં એમ શેકાતી હતી. માની ક્રોધિત આંખોથી હું ડરી ગઈ હતી. છતાં મેં કહી દીધું હતું : ‘ ના મા. હું કોઈ બીજા સાથે તો લગ્ન નહી જ કરું.’

‘ મારે જીવતેજીવ એનો પગ માર ઘરમાં ના જોઈએ. સમજી ? કજાત છે એ કજાત. આપણી  નાતનો છોકરો હોત તો કાંક વિચાર કર્યો હોત. તને ગમી ગમીને છેક એવો જ છોકરો ગમ્યો.?’

‘મધુરિમા..’ એ બોલ્યો.

‘જો તો આ લોકીટમાં તું છે ..’

જાણે ઠંડી પવનની લહેરખી બારીમાંથી આવી.  મેં મારી પાંપણને ઉંચી કરી. અને ધારીને જોયું..

‘ખોલ લોકીટ અને જો એમાં તું છે .’

મારા હોઠ હસી રહ્યા.

‘ હું ક્યાં છું તારી પાસે ?’

મેં હૈયા તરફ આંગળીથી ઈશારો કર્યો : ‘અહી.’

‘ખોલ હૈયું, મારે આજે મારી છબિ તારા હૈયામાં જોવી છે.’ કહી એણે મારો હાથ પોતાના હાથમાં લીધો. મારી આંખોમાં આંખો પરોવી. તડકો વાદળમાં છુપાઈ ગયો. ધરતી પર ભરબપોરે ઠંડક વરસી રહી.