Jayshree  Chaudhary
Jayshree Chaudhary
Tuesday 12 Dec 17 08:09:08 AM
ભરૂચ જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ માટે પ્રથમ ક્રમે પસંદગી પામેલ શાળા – એસ.વી.ઈ.એમ.(ગુ.મા.) , અંકલેશ્વર .


અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત  એસ.વી.એ.એમ.શાળાની જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ માટે પ્રથમ ક્રમે પસંદગી થયેલ છે તે ઉચ્ચતર માધ્યમિક શાળા વજીફ્દારની વાડી સામે , જુના બોરભાઠા રોડ, અંકલેશ્વર ખાતે આવેલ  છે .  વિશાળ , હરિયાળા , સુવિધાપૂર્ણ અને અદ્યતન બાંધણી  ધરાવતા વિદ્યાધામમાં પ્રવેશતાં જ કોઈ મહાવિદ્યાલય સંકુલમાં પ્રવેશતાં હોઈએ એવો અહોભાવ જન્મે છે અને હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. 

આ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટમાં ભુપેન્દ્રભાઈ શાહ(પ્રમુખ), , કિશોરભાઈ સુરતી(ઉપપ્રમુખ),  ડો. મહેન્દ્ર પંચાલ(મંત્રી), સનતભાઈ શાહ , ડો.કિરીટભાઈ શાહ, નટવરભાઈ કાપડિયા , ડો.વાસંતીબેન વકીલ, ડો.બોમી કાવીના , ડો.લતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. સ્વ. હીરાભાઈ મોદી તથા સ્વ. ડો.સુધીરભાઈ શ્રોફનું પણ આ ટ્રસ્ટમાં આરંભથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.  હીરાભાઈ મોદી ૧૯૫૪ની સાલમાં હાંસોટથી અંકલેશ્વર આવ્યા. રાજકીય અને નગરપાલિકામાં સત્તાપક્ષમાં ચાર દશકા સુધી બહુમતીથી ચૂંટાઈને વિજેતા થયા, જનતાની સેવા કરી વહીવટીય ક્ષમતાનો પરિચય આપ્યો. ૨૦૦૧માં તેમની કાર્યદક્ષતા માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત થયો હતો. સુધીરભાઈ શ્રોફે અનેક જાહેર ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ યોગદાન આપ્યું. ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન દ્વારા ૧૯૯૬માં તેમને ‘ ડેન્ટલ અવેરનેસ’  સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતાં. શાળાને નિશ્ચિત મુકામ સુધી લઈ જવા માટે આ બંને મહારથીઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ટ્રસ્ટની સ્થાપના  ૨૧ -૦૨-૧૯૮૦ ના રોજ થઈ હતી. ગુજરાતી માધ્યમ શાળા તા. ૦૯-૦૭-૧૯૯૦ ના રોજ શરુ થઈ હતી. જે હાલમાં કુલ બે હજારની આસપાસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવે છે. 

આ ટ્રસ્ટની દીર્ઘદ્રષ્ટિ , આયોજન , કટિબદ્ધ વલણ , શ્રેષ્ઠતમ માટેની તત્પરતાને પરિણામે શહેરમાં ઈંગ્લીશ મીડીયમ તથા ગુજરાતી મીડીયમ પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક અને દીવારોડ પર બે લાખ ચોરસફૂટ જગ્યા પર સાડાત્રણ કરોડના ખર્ચે સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ તથા ઈંગ્લીશ મીડીયમ સ્કુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત , ‘મા શારદાદેવી ભવન’ અદ્યતન અને અતિવિશાળ વાતાનુકુલિત ઓડીટોરીયમ છે. 

શ્રેષ્ઠતમ શાળાનો  પુરસ્કાર 

આ શાળા અનેકવિધ કેળવણીલક્ષી સિધ્ધિઓ ધરાવે છે. પરંતુ  શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ માં કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી , ગાંધીનગર દ્વારા એસ.વી.ઈ.એમ.(ગુ.મા.)શાળાની  જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ માટે પ્રથમ ક્રમે પસંદગી થઈ અને રૂ. ૧ ,૦૦,૦૦૦ /- (એક લાખ પુરા ) નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 

શ્રેષ્ઠ શાળા મુલ્યાંકન માટે - વિભાગ - ૧ માં ‘શાળાનું ભાવાવરણ’ અંતર્ગત  ઇકોક્લબની પ્રવૃતિ, કેમ્પસની સ્વચ્છતા, સેનીટેશનની સ્વચ્છતા અને ઉપયોગીતા , પ્રાર્થના સંમેલન તથા યૌગિક ક્રિયાઓ, સાલા લાયબ્રેરી અને તેના ઉપયોગ, બુલેટીન બોર્ડનો ઉપયોગ, શાળામાં મુલ્યલક્ષી શિક્ષણના નવતર પ્રયોગ, જી.આઈ.ઈ.ટી /બાયસેગ દ્વારા પ્રસારિત કાર્યક્રમો જોવા માટેનું આયોજન અને અમલીકરણ . વિભાગ - ૨ માં ‘અસરકારક વર્ગકાર્ય’ અંતર્ગત અસરકારક બેઠક વ્યવસ્થા , વર્ગખંડમાં જૂથ કાર્ય , તાલીમનો શિક્ષણ પ્રક્રિયામાં વિનિયોગ , સહપાઠી શિક્ષણ, વિજ્ઞાન પ્રયોગ, દૃશ્ય શ્રાવ્ય સાધનો, તેનો ઉપયોગ અને ફલશ્રુતિ , વિદ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારણા માટે પ્રયત્નો, કમ્પ્યુટર દ્વારા શિક્ષણ, નબળા વિદ્યાર્થીઓ માટે સહાયક કાર્યક્રમો, પ્રોજેક્ટ પદ્ધતિની અમલવારી, શાળા વર્ગખંડોનું શુશોભન. વિભાગ -3 ‘સહભ્યાસિક પ્રવૃત્તિઓ અને પ્રાપ્ત પરિણામો’ અંતર્ગત  બાહ્ય પરીક્ષામાં ભાગીદારી અને સફળતા, રમતોત્સવ પ્રવાસ પર્યટન , પસંદગી સમિતિ દ્વારા યોજવામાં આવેલ કસોટી અને તેના પરિણામો, આર્થિક રીતે નબળા વિદ્યાર્થી માટે શિક્ષકોના પ્રયત્નો. વિભાગ -૪ ‘પરિણામ લક્ષી લોકભાગીદારી’ અંતર્ગત   વાલી સંમેલન , લોકભાગીદારી દ્વારા વિકાસ, અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખાસ વિષય માટે સહયોગ. વિભાગ -૫ અંતર્ગત વિકલાંગ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો દ્વારા પ્રકાશિત લેખો – સંશોધનો , વિદ્યાર્થી – શિક્ષક સંબંધો , વિદ્યાર્થીઓનું સતત –સર્વગ્રાહી અનૌપચારિક મુલ્યાંકન , શાળાની શૈક્ષણિક સિધ્ધિઓ, શિક્ષકોની સંખ્યાના આધારે ગુણવત્તાલક્ષી વર્ગકાર્ય , વ્યવસાયિક સજ્જતા માટે શિક્ષકોનું વાંચન. – ના આ તમામ માપદંડોમાં એસ.વી.એ.એમ.(ગુ.મા.)શાળા સફળતાપૂર્વક પર ઉતરી તેનું કારણ એ હતું કે સંચાલક, સુકાની (આચાર્ય) , શિક્ષક, પાલક (વાલી) અને વિદ્યાર્થીઓનો સુમેળ ‘ટીમવર્ક’. 

મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું ૧૦૦ % પરિણામ આવતાં શાળાને રૂ.૫૦,૦૦૦/-(પચાસ હજાર પુરા) નું ઈનામ મળ્યું હતું.

આ શાળામાં  વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ  શિક્ષણ અને શિક્ષણેતર વિવિધ પ્રવૃત્તિઓમાં તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

શાળામાં દરેક કાર્યક્રમની ઉજવણી શ્રેષ્ઠતમ :

 શાળામાં વિદ્યાર્થીઓ , શિક્ષકો અને આચાર્યના સુમેળથી સુંદર કાર્યક્રમ થતા હોય છે. નગરના જાણીતા સર્જકો, કળામર્મગ્નોને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

સફળ નેતૃત્વ અને દિક્ષિત શિક્ષકો 
આ શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા કાર્યરત છે. તેઓ ઉત્સાહી, નિયમિત , ઋજુ, સ્વચ્છતાના આગ્રહી  અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થી હિતેચ્છુ શિક્ષક છે. કાર્યનિષ્ઠ, પ્રમાણિક, સંસ્કારી  અને   દિક્ષિત શિક્ષકો છે. 

વિદ્યાર્થીઓની વિશેષ ઉપલબ્ધિ 
અહી શિક્ષણ અને કેળવણીનું સામંજસ્ય જોવા મળે છે. આ શાળાના પ્રથમ પાંચ બેચના વિદ્યાર્થીઓ ઉચ્ચ પદવી મેળવી દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

‘ વિવેકામૃતમ’ –શાળાનું મુખપત્ર 
આ શાળા પ્રતિ વર્ષે પોતાનું સહિયારૂ મુખપત્ર ‘ વિવેકામૃતમ’ પ્રગટ કરે છે. જેમાં શાળાની વિશેષ ઉપલબ્ધિઓ, વિદ્યાર્થીઓની  સ્વરચનાઓ , ટ્રસ્ટીમંડળ અને આચાર્યશ્રીના પ્રેરક લેખો, પ્રવૃત્તિઓના સુંદર ફોટોગ્રાફ્સ ..બધું જ સુચારુ રૂપથી અને નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

વિશેષ સંકલ્પ સંહિતા 

બાળકોને માત્ર પરીક્ષાલક્ષી બનાવવાના નથી, પરંતુ તેઓમાં જીવનલક્ષી બીજ રોપવાના છે.
બાળકોના ચારિત્ર્યનો અને વ્યક્તિત્વનો વિકાસ સાધી તેમની ગર્ભિત શક્તિને વિકસાવવાનો  છે.
નૈતિક, સાંસ્કૃતિક ,આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરી બાળકને ઉન્નત બનાવી સમાજની અને રાષ્ટ્રની પ્રગતિમાં તેને ભાગીદાર બનાવવાનો છે. 
પરિવર્તન સાથે કદમ મિલાવી દેશાભિમાની નાગરિક તૈયાર કરવાનો છે.
આધુનિકતા સાથે કદમ મિલાવી સુસજ્જ સમાજનું સર્જન થાય તે મુજબ બાળકોને શિક્ષણ સાથે કેળવણી આપી રચનાત્મક અભિગમથી નુતન નાગરિક તૈયાર કરવાનો છે.
આ શાળાની સંકલ્પ સંહિતા છે, જે પાયા આધારિત શિક્ષણ અને કેળવણી એ આ શાળાની વિશેષતા છે.