Jayshree  Chaudhary
Jayshree Chaudhary
Thursday 21 Dec 17 11:58:59 AM
A woman


સ્ત્રી એવા વ્યક્તિને પ્રેમ કરવા માંગે છે, જે ફક્ત એને જ ચાહે. અફસોસ ! દુર્ભાગ્યે એની એ શોધ ક્યારેય પૂરી થતી નથી.

આરાધ્યા આંખો મીંચીને ઝૂલા પર હળવે હળવે ઝૂલી રહી હતી. અતીત એની સામે ગોકળગાયની જેમ ધીરે ધીરે સરકતો જતો હતો. એણે જયારે અર્ણવને પ્રેમ કર્યો ત્યારે એને લાગતું હતું કે એના જેવું દુનિયામાં કોઈ નસીબદાર નથી.

મળી હતી પહેલીવાર એને એ કોફીબારમાં. કંટાળો અને થાક જયારે એના તનમનમાં પેસી ગયાં હતાં ત્યારે ઓફીસ નજીકના કોફીબારમાં એ ગઈ હતી. મૂડ ઠીક કરવા. સાલુ આ કોઈ જિંદગી છે ? તમે કામ કરો અને તમને અપજશ મળે , દુશ્મન – એ એની સાથી ગોરી, બોલકી અને કામચોર છતાં બધી રીતે પાવરધી રોઝીને ‘દુશ્મન’ કહેતી – કામ ન કરે છતાં બોસ એને હંમેશ આઉટડોર મિટિંગમાં એને લઈ જ જાય. એમતો શરૂઆતમાં આરાધ્યાને પૂછ્યું હતું , ‘ શું આપને મારી સાથે આવવાનું ગમશે ? બીઝનેસ મીટીંગમાં ? હિલસ્ટેશન પર.’

 ‘નો સર . મારી સાથે મારા ઘરડા દાદીની જવાબદારી છે એટલે સાંજે તો મારે એમની પાસે પહોંચી જ જવું પડે.’

બોસ સંમત થયા હતા એની વાત સાથે. ‘ ગુડ . ફેમીલી રિસ્પોન્સિબિલિટી ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ યોર   ડ્યુટી.’ 

બોસ એને સાંજ પહેલાં કામ પૂરું થઈ જાય એટલે અનિવાર્ય વહીવટી સંજોગો સિવાય ભાગ્યે જ રોકતાં. 

સાંજે ઘરે જઈને એ દાદીમાને હુંફાળું આલિંગન આપતી. દાદીમા એને ઓફિસની રજેરજ માહિતી પૂછતાં : 

‘ તો શું કર્યું તારી દુશ્મને ?’

હસતાં હસતાં કહેતી : ‘ હું અર્ણવ સાથે કોફીબારમાં કોફી પીતી હતી ત્યારે એ આવી અને મારી નજીક જ બેસી ગઈ. અર્ણવ સાથે મેં ઓળખાણ કરાવી અને એ વાતોએ  વળગી પડી . કોફીબ્રેક પૂરો થઈ ગયો પણ એની વાતો ખૂટી જ નહી.’

દાદી હમેશાં પૂછતાં રહેતાં : ‘આજે અર્ણવ મળ્યો કે નહી ?’

‘ એ રોજ થોડો મને મળે ? એની ઓફીસ બીજા બિલ્ડીંગમાં છે. એ તો અનાયાસે જ એક ટેબલ પર અમે બેઠાં અને પરિચય કેળવાયો. પછી એ આવ્યો હોય તો અમે એક જ ટેબલ પર બેસીએ બસ .’

દાદીમાના મનમાં એક આશા બંધાતી. ‘ તો છોકરો સારો હોય તો વાત આગળ ચાલે બેટા.’

આરાધ્ય સમજતી કે દાદીમા એના લગ્ન બાબતે ચિંતા કરતાં. દાદીમાએ સગાં –સમ્બંધીઓને કહી રાખ્યું હતું કે , ‘આરાધ્ય માટે લાયક છોકરો હોય તો કહેજો.’

સમય પસાર થતો જતો હતો. લાયક છોકરો મળતો ન્હોતો. દાદીમાને ખબર હતી માહી વિષે. પણ એ કદી એનો ઉલ્લેખ કરતાં નહી.

જ્યુસનો ગ્લાસ દાદીમાને આપ્યો અને એ ઝૂલા પર બેઠી. એની આંખો સામે માહી આવીને ઊભો રહી ગયો. મધ્યમ કદ , યુનિવર્સીટી વેઇટ લીફટીંગ ચેમ્પીયન માહી. પ્રેમ થઈ ગયો એવી તો આરાધ્યાને ત્યારે જ ખબર પડી કે ,  કોઈ બીજી છોકરી  સાવ અડીને માહી સાથે સેલ્ફી લઈ રહી હતી અને એ ઈર્ષાથી સળગી ગઈ હતી. એ ઝટપટ માહી નજીક ગઈ હતી અને એ છોકરીને ખસેડીને પોતે ઉભી રહી ગઈ હતી. માહી હસી પડ્યો હતો. માહીનો ખાસ દોસ્ત જુનેદને સેલફોન આપતાં માહીએ કહ્યું હતું.

‘કેમ ? તારી સાથે તો હું હજાર સેલ્ફી લેવા તૈયાર છું. તું યસ કહે એટલી વાર.’

અને..એની હા-ના પછી થયેલી હા અને માહી-આરુની જોડી કોલેજમાં રેમ્પવોકમાં વિનર બની ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે માહીએ એને ધીરેથી કાનમાં કહ્યું હતું , ‘લવ યુ સો મચ.’ 

વાત ક્યાં અટકી ગઈ હતી ત્યારે ? એની આંખમાં આંસુ આવી ગયાં. લાસ્ટ યરમાં  જયારે આરાધ્ય માસી સાથે ડુમસ ફરવા ગઈ ત્યારે માહીની બાઈકને પાર્ક કરેલી જોઈ હતી. એણે પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધી દીધો અને આસપાસ શોધખોળ કરી. ઝાડ નીચે ભીડથી દૂર માહીને એણે જોયો હતો એક છોકરી સાથે.

પુરુષને ક્યારેય પારખી નહી શકાય. કેટલો ભરોસો કર્યો હતો ? કેટલો પ્રેમ કર્યો હતો ? આખરે એના વિશ્વાસ અને પ્રેમને માહીએ તોડી નાંખ્યો હતો. એક વાતે એ રાજી હતી કે વેળાસર એ માહીને પારખી શકી. જુનેદને આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું હતું : ‘ પહેલાં જ તને કહેવાનો હતો. તું માનતે નહી. સારું તેં જાતે જ જોયું.’ માહીએ બહુ કોશિશ કરી હતી. પરંતુ સ્ત્રીઓનું હૈયું તૂટી જાય પછી પૂરેપૂરું નથી સંધાતું  , સંધાય તો ય  ખુદને એ સાંધો દેખાય એવી કુદરતી કરામત હોય છે. પુરુષજાત માટે એને અણગમો થઈ ગયો હતો.   


 મમી-પાપા-ભાઈ  અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી દાદીના આગ્રહથી એ શહેર છોડીને નવા શહેરમાં સ્થાયી થયા પછી ઘરની નજીક દાદીમાએ એને જોબ માટે મંજુરી આપી હતી. 

‘બેટા, આમ તો ઘર બેઠાં જીવી શકાય એટલું છે આપણી પાસે. પરંતુ બેટા, દુઃખને ભૂલવા તું કામમાં મન પરોવે એટલે તને જોબ માટે હા પાડું છું.’

અર્ણવ મળ્યો ત્યારે હુંફનો અનુભવ થયો હતો. પુરુષ તરફી અણગમો ઓગળી રહ્યો હતો. ધીરે ધીરે કોફીબારથી બન્નેની મુલાકાત ફિલ્મથીયેટર સુધી પહોંચી ગઈ હતી. 

પરંતુ દાદીમા સાથે જયારે એ શહેરથી દુર વિકએન્ડ ગાળવા એક રિસોર્ટમાં ગઈ. અર્ણવની કાર જોઇને એને ધ્રાસકો પડ્યો. એની શંકા સાચી પડી જયારે એના રૂમની ગેલેરીમાંથી અર્ણવને રોઝી સાથે હાથમાં હાથ પરોવી હોટેલથી બહાર નીકળતાં એણે જોયો. 

જયારે અર્ણવે એની સાથે દગો કર્યો ત્યારે એને લાગ્યું કે એના જેવું કોઈ કમનસીબ આ દુનિયામાં કોઈ નથી. દાદીમાને વળગીને એ ખુબ રડી હતી. એની સાથે બનેલી વાત એણે જણાવીને કહ્યું હતું : ‘સ્ત્રી એવા વ્યક્તિને પ્રેમ કરવા માંગે છે, જે ફક્ત એને જ ચાહે. અફસોસ ! દુર્ભાગ્યે એની એ શોધ ક્યારેય પૂરી થતી નથી.’

દાદીમાની આંખો ભીની હતી : ‘ બેટા, એવું ક્યારેક બને એ સાચું. પ્રેમ પુરુષ પણ કરી જાણે છે. પ્રેમ સ્ત્રીઓ જ કરે છે એવું નથી હોતું. મારા અનુભવે મેં જોયું છે. સ્ત્રીઓ પણ  પુરુષને દગો કરે છે. પુરુષ જ બધીવાર દોષી નથી હોતો.’

બીજે દિવસે દાદીમાના કહેવાથી એ સ્થળે રાજીનામું આપી એણે ઘરની ડાબી તરફ ઉભા થયેલા સ્યોરહબમાં પોતાની જ એક ઓફીસ ખોલી અને નવો બીઝનેસ શરુ કર્યો. ઓફીસ માટે નવી રિક્રુટમેન્ટ માટેના ઇન્ટરવ્યુમાં આવેલા ઉમેદવારોમાં આખિલેશ એને ગમ્યો. એને પસંદ કર્યો . દાદીમાએ પણ એના પર મહોર મારી. 

‘બેટા, આ બરાબર છે. તારા બીઝનેસને વધારવા માટે આવો સ્ટાફ જોઈએ તને .’

અખિલેશ અને આરાધ્યા . આરાધ્ય અને અખિલેશ. સ્યોરહબની અઢાર નંબરની ઓફીસ. આરાધ્યાને અખિલેશે કહ્યું : ‘આરુ, આઈ લવ યુ . કેન યુ મેરી મી ?’

દાદીમાએ હસતાં હસતાં હાં પાડી. લગ્નની રાત વીતી ગયાં પછી જયારે જાણ્યું કે ..દાદીમાએ કહ્યું કે, આખિલેશ તારા પાપના મિત્રનો દીકરો છે. વિદેશ ભણતો હતો. એણે તને એક મેરેજ ફંકશનમાં જોઈ હતી ત્યારથી તું એને ગમી ગઈ હતી. એણે મને વાત કરી હતી. એ વાત મને યાદ આવી અને મેં એનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો. મેં તારી બધી વાત એને જણાવી . એણે મને શું કહ્યું ખબર છે, હું આરુને ચાહું છું એની સાથે જોડાયેલા પાસ્ટને નહી. પ્રેઝન્ટ અમારો છે. અને ..આખી યોજના અમે ઘડી. હવે તો તું માનશે ને ? પ્રેમ પુરુષ પણ કરી જાણે છે ?’

‘ હા દાદીમાં ,  સ્ત્રી એવા વ્યક્તિને પ્રેમ કરવા માંગે છે, જે ફક્ત એને જ ચાહે. ઓહ્હ  ! એની એ શોધ ક્યારેક  સદભાગ્યે પૂરી થઈ જતી હોય છે !’